Thursday, 13/12/2018 | 6:34 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India

ડોલર સામે રૂપિયામાં કડાકો: ૭૩.૩૪ની ઐતિહાસિક નીચી સપાટીએ

ઘરેલુ સ્તર પર નિકાસ ઘટતાં રૂપિયો સતત દબાણમાં, અનાજથી માંડી સાબુ-શેમ્પુ સહિતની રોજબરોજની ચીજવસ્તુઓ મોંઘી થશે

ન્યુ દિલ્હી,તા.૩

ભારતીય રૂપિયામાં ઘટાડાનો દોર સમાપ્ત થવાનું નામ નથી લેતો. ગઈકાલે બજાર બંધ રહ્યા બાદ આજે રૂપિયો અત્યાર સુધીના સૌથી નિચલા સ્તરે પહોંચી ગયો છે. અત્યારે રૂપિયો ડોલરના મુકાબલે ૭૩.૩૪ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, રૂપિયો પહેલીવાર ૭૩ની સપાટી પાર કરી ગયો છે. રૂપિયામાં આ ઘટાડાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના વધતા ભાવને ગણવામાં આવે છે. ઘટતા રૂપિયાની અસર શેરબજાર પર પડી છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૭૪ પોઈન્ટ ઘટીને ૩૬૨૫૧ અને નીફટી ૯૭ પોઈન્ટ ઘટીને ૧૦૯૧૦ ઉપર ટ્રેડ કર્યું હતુ. ડોલર સામે રૂપિયો તૂટતા હવે મોંઘવારીનો રાક્ષસ બિહામણી રીતે ધૂણે તેવી શકયતા છે.

રૂપિયો સોમવારે ૭૨.૯૧ ઉપર બંધ થયો હતો. ગાંધી જયંતિની કારણે કરન્સી માર્કેટ બંધ હતી. આજે ડોલરના મુકાબલે રૂપિયો ૩૩ પૈસાના ઘટાડા સાથે ૭૩.૨૪ પર ખૂલ્યો હતો જે અત્યાર સુધીનુ સૌથી નિચલુ સ્તર છે. આ લખાય છે ત્યારે ડોલર સામે રૂપિયો ૭૩.૩૪ ઉપર ટ્રેડ કર્યો હતો.

રૂપિયો ૭૩ની ઉપર ચાલ્યો જતા હવે મોંઘવારી વધશે. ક્રૂડના ભાવ વધવા, ટ્રેડ વોર, ચાલુ ખાતાની ખાધ વધવાની આશંકા, ડોલરમાં મજબુતી, ઘરેલુ સ્તર પર નિકાસ ઘટવા જેવી બાબતોને કારણે રૂપિયો સતત દબાણમાં રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે. ક્રૂડ ૮૫ ડોલરને પાર કરી ગયુ છે. આવતા દિવસોમાં ડોલરના મુકાબલે રૂપિયો ૭૫ ડોલરનુ સ્તર સ્પર્શ કરે તેવી શકયતા છે.

ડોલરના મુકાબલે રૂપિયામાં નરમાશ અને ક્રૂડ મોંઘુ થતા ઘરના બજેટમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ચીજવસ્તુઓ ધીમે ધીમે મોંઘી થવા લાગી છે. બટેટા, ડુંગળી અને લીલા શાકભાજીના ભાવ ૩૦ ટકા વધી ગયા છે. ડીઝલ મોંઘુ થતા તમામ વસ્તુઓના ભાવ વધશે. અનાજથી માંડીને સાબુ, શેમ્પુ સહિતની રોજબરોજની ચીજવસ્તુઓ પણ મોંઘી થશે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા તમામ વસ્તુઓના ભાવ ભડકે બળશે. રૂપિયામાં ઘટાડાના કારણે કાર કંપનીઓ ભાવ વધારવા વિચારી રહી છે. આ વર્ષે રૂપિયામાં લગભગ ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

વડાપ્રધાન મોદીને લોકોને ઠગીને સત્તાનું સુખ જોઈએ છે

ડોલર સામે રૂપિયો નીચલા સ્તરે, મોદી સરકારનું કાઉન્ટ ડાઉન શરૂઃ કોંગ્રેસ

ડોલર સામે રૂપિયાની કિંમત અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ૩૩ પૈસાના ઘટાડા સાથે રૂપિયાની કિંમત એક ડોલર સામે ૭૩.૨૪ના આંકડા સુધી પહોંચી ગઈ છે. સોમવારે રૂપિયાની કિંમત ૭૨.૯૧ હતી. રૂપિયાની આ સ્થિતિ પર કોંગ્રેસે બુધવારે મોદી સરકાર પર પ્રહાર કરતા દાવો કર્યો કે આ સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્‌વીટ કરીને કહ્યું કે મોદીજીને રૂપિયામાં ઘટાડા સાથે કાંઈ લેવા દેવા નથી, મોદીજીને મોંઘા તેલથી કાંઈ લેવા દેવા નથી, મોદીજીને ખેડૂતોના સંઘર્ષ સાથે કાંઈ લેવા દેવા નથી. લોકોને ઠગીને, પીએમ મોદીને સત્તાનું સુખ જોઈએ છે.

સુરજેવાલાએ કહ્યું કે ઁસ્ મોદીના સારા દિવસો, લોકોના ખરાબ દિવસો! મોદી સરકારની કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે.

POST YOUR COMMENTS

Your email address will not be published. Required fields are marked *