Saturday, 23/2/2019 | 5:06 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India

દીકરો આરોપી હોય તો ફાંસી આપી દો, બધા પરપ્રાંતીયોને હેરાન ન કરો: ઢુંઢર રેપ કેસના આરોપીની મા

પટણા,તા.૧૧

ગયા અઠવાડીયે ગુજરાતના સાબરકાંઠાના ઢુંઢરમાં ૧૪ મહિનાની બાળકી સાથે દુષ્કર્મ બાદ ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલો કરવામાં આવી રહ્યાં છે અને ઉત્તર પ્રદેશ અને બિહારના હજારો લોકો કામકાજ છોડી ઘરે પરત જઈ રહ્યા છે. એવામાં બળાત્કારી આરોપીની માતાએ અપીલ કરી છે કે જો તેમનો દીકરો દોષી છે તો તેને ફાંસી પર લટકાવી દેવામાં આવે પરંતુ ગુજરાતથી અન્ય રાજ્યોના લોકોને બહાર ન કાઢવામાં આવે. આરોપીની માતા રામાવતી દેવીએ એક અંગ્રેજી અખબારને આ વાત કહી.

આરોપી મૂળ બિહારના સરન જિલ્લાના મંઝી બ્લોકનો રહેવાસી છે. આરોપીના પિતા મજૂરી કામ કરે છે. પરિવારે ખુલાસો કર્યો છે કે સગીર યુવક અનેકવાર અસામાન્ય વ્યવહાર કરે છે. અહેવાલ અનુસાર, આરોપીના પિતાએ કહ્યું કે, મારો દીકરો સગીર અને માનસિક રીતે અસ્વસ્થ છે. તે અનેકવાર અસામાન્ય વ્યવહાર કરે છે. જેના કારણે તે માત્ર ધોરણ-૫ સુધી જ અભ્યાસ કરી શક્યો. તે ચાર ભાઈઓમાં ત્રીજા નંબરે છે. બે વર્ષ પહેલા તે કોઈને કહ્યા વગર પોતાના મિત્રોની સાથે ક્યાં ચાલ્યો ગયો હતો. હાલ થોડા મહિનાઓ પહેલા જ ખૂબ જ મુશ્કેલી બાદ તેની ભાળ મળી હતી.

આરોપી યુવક ૨૦૧૬માં અચાનક ઘરેથી ભાગી ગયો હતો અને બાદમાં તેણે પોતાના માતા-પિતાને જણાવ્યું કે તે કેટલાક મિત્રોની સાથે કામની શોધમાં ગુજરાત આવ્યો હતો. દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાની સ્થિતિને જોતા પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન કરી દીધું છે. બીજી તરફ સ્થાનિક લોકોએ પણ તેમને સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું છે.

પોલીસે જણાવ્યું કે ૨૮ સપ્ટેમ્બરે સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામમાં ૧૪ મહિનાની બાળકી સાથે કથિત રીતે બળાત્કાર થયો હતો. જેનો આરોપમાં બિહારના રહેવાસી રવિન્દ્ર સાહૂ નામના મજૂરની ઘટનાના દિવસે જ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર બિનગુજરાતી અને તેમાંય ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો વિરુદ્ધ ઘૃણા સંદેશ પ્રસારિત થતાં સમગ્ર રાજ્યથી પરપ્રાંતીયો પર હુમલાઓ થવાની અનેક ઘટનાઓ સામે આવી.

ગુજરાતમાં સ્થિતિ ધીમેધીમે સામાન્ય થઈ રહી છે. અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની સાઇબર સેલે આઈટી અધિનિયમની કલમ ૬૬ઝ્ર અને ૬૭ હેઠળ રાજ્યમાં પરપ્રાંતીયો વિરુદ્ધ હિંસા ઉશ્કેરવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ કરી છે. આ પહેલા ગુજરાત પોલીસના ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, ઢુંઢર રેપ મામલાના વિરોધમાં કેટલાક લોકો એ લોકોને નિશાન બનાવી રહ્યા છે જે બીજા રાજ્યોમાંથી આવ્યા છે. આ સમગ્રપણે અસ્વીકાર્ય છે. હિંસા ભડકાવવના મામલે અમે ૧૫૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. અમે એવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છીએ જ્યાં મોટા પ્રમાણમાં બિનગુજરાતી વસે છે.

POST YOUR COMMENTS

Your email address will not be published. Required fields are marked *

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com