કલ્યાણપુર : દેવળીયા ગામે આડા સંબંધમાં યુવાનની હત્યામાં બે ની અટક

મીઠાપુર તા. ૭

કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા છગનભાઈ દેવાભાઇ વરુ નામના ૩૬ વર્ષીય યુવાનના માથામાં જીવલેણ ઘા ફટકારી, ઇજા થયેલી હાલતમાં નિષ્પ્રાણ મૃતદેહ મળી આવ્યો હતો.

આ સમગ્ર બનાવ બનતા કલ્યાણપુર પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એફએસએલ તથા ડોગ સ્કોડ સહિતના સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભવામાં આવી હતી. આ તપાસના ફળ સ્વરૂપે ઉપરોક્ત યુવાનની ઘાતકી હત્યા દેવળિયા ગામની ખારી વાડી વિસ્તારમાં રહેતા રણમલ પાબા પઠાણ અને પોરબંદર તાલુકાના વડાળા ગામના રહેતા તેમના બનેવી મેરુ રામા લાડક નામના બે શખ્સો દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

આથી પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરી અને ટૂંકા સમયગાળામાં આં હત્યાનો ભેદ ઉકેલી ઉપરોક્ત શખ્સોની અટકાયત કરી, આકરી પૂછપરછ કરવામાં આવી હતી. અહીંના ડીવાયએસપી હિરેન્‌દ્ર ચૌધરીના વડપણ હેઠળ ચાલી રહેલી આ તપાસ અંતર્ગત પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ મૃતક યુવાન છગન વરુને આરોપી રણમલના પરિવારના એક મહિલા સાથે છેલ્લા એકાદ વર્ષથી આડા સબંધ હોય, અને આરોપી રણમલ તથા મેરુ બંને તેઓને ગત તારીખ ૫ ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યે રણમલને મહિલા સાથે કઢંગી હાલતમાં જોઈ જતા આ મનદુઃખના કારણે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારનો ઘા તેણે છગનના માથા ઉપર ફટકારી દીધો હતો. જેથી તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. આટલું જ નહીં સાથે રહેલા મેરુ દ્વારા પણ ઢીકાપાટુનો માર મારી, મદદગારી કરવામાં આવી હતી.

આમ, ઉપરોક્ત બંને શખ્સો દ્વારા છગન દેવા વરુની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ ઘેલુભાઈ દેવાભાઈ વરુ (ઉ.વ.૩૯) દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ સમગ્ર બનાવના અનુસંધાને પોલીસે હાલ બંને આરોપીઓને પોતાના કબજામાં લઇ અને કોરોના ટેસ્ટ બાદ ધરપકડ સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. આ બનાવે નાના એવા દેવળીયા ગામમાં ભારે ચકચાર જગાવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449