મુંબઈમાં ચાર માળની ઇમારત ધરાશાયી, ૧૧નાં કરૂણ મોત

દુર્ઘટના બાદ આસપાસની બિલ્ડિંગોને ખાલી કરાવી દેવામાં આવી છે, આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ લઈ જવાયા, ૧૫ લોકોને બચાવાયા           

મુંબઈ,તા.૧૦

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાના આગમનની સાથે જ મોટી દુર્ઘટના બની છે. બુધવાર રાત્રે ભારે વરસાદના કારણે લગભગ ૧૧ વાગ્યે મલાડ વેસ્ટમાં સ્થિત ચાર માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. સ્થાનિક લોકો અનુસાર તેની સાથે જ આસપાસની અન્ય બે બિલ્ડિંગ પણ પડી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૧ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સાથોસાથ ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી તરફ, બચાવકર્મીઓએ કાટમાળમાંથી ૧૫ લોકોને બચાવ્યા છે. તેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. ઘટના બાદ તરત જ ફાયરબ્રિગેડની ટીમ અને બીએમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકોને બચાવવા માટે ત્યાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બીએમસીનું કહેવું છે કે દુર્ઘટના બાદ આસપાસની બિલ્ડિંગોને ખાલી કરાવી દેવામાં આવી છે. સાથોસાથ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ડીસીપી ઝોન ૧૧ વિશાલ ઠાકુરનું કહેવું છે કે કાટમાળમાં વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. રેસ્ક્યૂ ટીમો તેમની શોધખોળમાં લાગી ગઈ છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખનું કહેવું છે કે આ બિલ્ડિંગો ભારે વરસાદના કારણે પડી ગઈ છે. બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હૉસ્પિટલોમાં ખસેડવાની સાથોસાથ લોકોની તલાશમાં કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં બુધવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થયું અને પહેલા જ દિવસે ભારે વરસાદથી દેશની આર્થિક રાજધાની તથા તેના ઉપનગરોમાં અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું અને રોડ ટ્રાન્સપોર્ટેશનની સાથે લોકલ ટ્રેન સેવાઓ ઉપર પણ અસર પડી. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ એ મુંબઈ અને પડોશી થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લા માટે રેડ અલર્ટ જાહેર કરી કેટલાક સ્થળો પર ભારે વરસાદની ચેતવણી આપી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449