દારૂડિયા પતિ સાથેના ઝગડામાં મહિલાએ ૫ દીકરી સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું

મહાસમુંદ,તા.૧૦

છત્તીસગઢના મહાસમુંદમાં એક મહિલાએ પોતાની ૫ દીકરી સાથે બુધવારે મોડી રાત્રે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. તમામના મૃતદેહો ગુરુવારે સવારે રેલવેટ્રેક પર ૫૦ મીટર દૂર દૂર સુધી વિખરાયેલા જોવા મળ્યા હતા. મૃત્યુ પામનારા તમામની ઉંમર ૧૦થી ૧૮ વર્ષ વચ્ચેની છે. મળતી માહિતી મુજબ, દારૂડિયા પતિ સાથેના વિવાદને કારણે મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યું હતું. સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

જિલ્લાના ઈમલીભાંઠા નહેર પુલિયાની પાસે ગુરુવારે સવારે લોકોને રેલવેટ્રેક પર મૃતદેહ જોયા તો કોતવાલી પોલીસ સ્ટેશનને સૂચના આપી હતી. એ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રેલવેને પણ આ બનાવ અંગે જાણકારી આપવામાં આવી અને ટ્રેનની અવરજવરને રોકવામાં આવી.

બેમચામાં રહેતી મહિલા ઉમા સાહુ (૪૫ વર્ષ)ના પતિ કેઝરામને દારૂ પીવાની લત હતી. તે બુધવારે સાંજે પણ શરાબ પીને ઘરે પહોંચ્યો તો પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે ઉમા સાંજે લગભગ ૭.૩૦ વાગ્યાની આસપાસ પોતાની પાંચેય દીકરી અન્નપૂર્ણા સાહુ (૧૮ વર્ષ), યશોદા સાહુ (૧૬ વર્ષ), ભૂમિકા (૧૪ વર્ષ), કુમકુમ (૧૨ વર્ષ) અને તુલસી (૧૦ વર્ષ)ને લઈને ઘરમાંથી નીકળી ગઈ. એ બાદ તેમની કોઈ ભાળ જ નથી. મળતી માહિતી મુજબ રાત્રે લગભગ ૯થી ૯.૩૦ વચ્ચે લિંક એક્સપ્રેસની સામે તમામે એકસાથે કૂદીને જીવ આપી દીધા હતા.

પોલીસનું કહેવું છે, ઘટના મોડી રાત્રે થઈ હશે. મહિલા અને ત્રણ દીકરીના મૃતદેહ થોડા દૂર મળ્યા, જ્યારે અન્ય બે પુત્રીના શબ ટ્રેકની આગળ પડેલા મળ્યા. મૃતદેહની સાથે તેમનાં ચંપલો પણ દૂૂર દૂર સુધી પડ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે આજુબાજુના લોકોની પૂછપરછ કરવામાં આવી, જે બાદ મહિલા અને તેમની દીકરીઓની ઓળખ થઈ હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449