કેરેબિયન સરકારે મેહુલ ચોકસીને ઘૂસણખોર જાહેર કર્યો

ડોમિનિકા,તા.૧૦

ડોમિનિકામાં પકડાયેલા પંજાબ નેશનલ બેન્ક ગોટાળાના આરોપી અને ભાગેડુ હીરાના બિઝનેસમેન મેહુલ ચોકસીને મોટો ઝાટકો લાગ્યો છે. આ કેરેબિયન દેશની સરકારે મેહુલ ચોકસીને ગેરકાયદે પ્રવાસી જાહેર કર્યો છે. ચોકસી ભારતથી ભાગીને એન્ટિગુઆમાં રહેતો હતો અને તાજેતરમાં ત્યાંથી તે ડોમિનિકા પહોંચ્યો હતો. તે ફિલ્મી સ્ટાઇલમાં ક્યુબા ભાગવાની ફિરાકમાં હતો ત્યાં પોલીસે તેને પકડી પાડ્યો. એન્ટિગુઆના પ્રધાનમંત્રીએ ડોમિનિકાની સરકારને તેને સીધો ભારતને સોંપવાનો અનુરોધ કર્યો હતો. હવે તેનો ભારત આવવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

ડોમિનિકાની સરકારે ૨૫મી મેના રોજ રજૂ કરાયેલા એક આદેશમાં ચોકસીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ જાહેર કર્યો છે. ડોમિનિકાના મિનિસ્ટર ફોર નેશનલ સિક્યોરિટી એન્ડ હોમ અફેર્સ રાયબર્ન બ્લેકમૂરએ આદેશ રજૂ કરતાં કહ્યું કે ચોકસીને દેશમાંથી બહાર કરવા માટે દેશના કાયદા મુજબ પગલાં ભરો. ચોકસીએ ડોમિનિકામાં જામીન અરજી કરી છે તેના પર હજુ કોઇ નિર્ણય આવ્યો નથી. આની પહેલાં ડોમિનિકાની એક કોર્ટે ચોકસીના પ્રત્યર્પણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ચોકસીના વકીલ વિજય અગ્રવાલે ગયા સપ્તાહે દાવો કર્યો હતો કે અમે કહ્યું કે તેમનુ અપહરણ કરી લેવાયું હતું અને તેઓ પોતાની મરજીથી ડોમિનિકા ગયા નહોતા. અહીં ડોમિનિકાના પાસપોર્ટ અને ઇમગ્રિશેન અધિનિયમની કલમ ૬ની અંતર્ગત તેઓ ગેરકાયદે પ્રવાસી નથી, આથી તેમણે કોઇ ગુનો કર્યો નથી અને ડોમિનિકા પોલીસ ધરપકડ કરી શકતું નથી.

ચોકસીના વકીલની તરફથી દાવો કરાયો છે કે મેહુલ ચોકસીનું અપહરણ કર્યું હતું અને જબરજસ્તી ડોમિનિકા લઇ ગયા હતા. ભારતની તરફથી અધિકારીઓની ટીમ પણ તેના પ્રત્યર્પણ માટે ત્યાં પહોંચી હતી. પરંતુ તેને કોઇ સફળતા મળી નહોતી. હવે ડોમિનિકાની કોર્ટ પર નજર છે કે તે મેહુલ ચોકસીને જામીન આપે છે કે નહીં. એન્ટિગુઆના પ્રધાનમંત્રી ગ્રેસ્ટન બ્રાઉને ચોકસીને પાછા લેવાની ના પાડી દીધી હતી અને ડોમિનિકાથી તેને સીધો ભારત મોકલવાનો અનુરોધ કર્યો હતો.

ચોકસી અને તેમના ભાણિયા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક કથિત રીતે ૧૩૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. નીરવ મોદી લંડનમાં જેલમાં છે અને પોતાના પ્રત્યર્પણની સામે કેસ લડી રહ્યો છે. ચોકસીએ રોકાણ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરવાના કાર્યક્રમનો ઉપયોગ કરતાં ૨૦૧૭માં એન્ટિગુઆ અને બારબુડાની નાગરિકતા લઇ લીધી હતી અને જાન્યુઆરી ૨૦૧૮ના પહેલાં સપ્તાહમાં ભારતથી ભાગી ગયો હતો. બેન્ક સાથે છેતરપિંડીનો કેસ પછી સામે આવ્યો હતો. ચોકસી અને નીરવ બંને સીબીઆઈની તપાસનો સામનો કરી રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449