આ સ્થિતિ નાલંદાના એ જિલ્લાની છે જ્યાંથી નીતિશ સરકારની લગભગ તમામ યોજનાઓનો પ્રારંભ થાય છે

નાલંદા, તા. ૧૦

બિહારની વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ પણ નથી થયું. તે સમયે મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત એનડીએના તમામ નેતાઓએ રાજ્યમાં વિકાસની મોટી મોટી વાતો કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણીની રેલીઓમાં પ્રત્યેક ગરીબ અને વૃદ્ધને વિશ્વાસ અપાવતા હતા કે તેમનો દીકરો દિલ્હીમાં છે. આ વાતોને સાંભળીને ભારત જ નહીં પણ દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાં વસતા બિહારીઓને લાગતુ હતું કે તેમના રાજ્યમાં પરિસ્થિતિ ઓલ ઈઝ વેલ છે. પરંતુ નીતિશ કુમારના જ ગૃહ જિલ્લા નાલંદાથી એક એવી તસવીર સામે આવી છે જે વિકાસની વાસ્તવિક છબીને ઉજાગર કરે છે. જિલ્લા કરાયપરસુરાય પ્રખંડમાં એક વૃદ્ધ મહિલા કૌશલ્યા દેવી અને તેમની પૌત્રી પાસે રહેવા માટે એક ઘર પણ નથી. કાળઝાળ ગરમીથી બચવા માટે દાદી અને પૌત્રી એક જાહેર શૌચાલયમાં દિવસ પસાર કરી રહ્યા છે.

અહીં ચોંકાવનારી બાબત એ છે કે કૌશલ્યાદેવીની આ તસવીર નાલંદાના તે જિલ્લાની છે જ્યાંથી નીતિશ સરકારની લગભગ તમામ યોજનાઓનો પ્રારંભ થાય છે. નાલંદાના વિકાસ મોડલને આખા રાજ્યમાં રજૂ કરવામાં આવે છે. આ જ નાલંદા જિલ્લાની મકરૌતા પંચાયતના ગામ દિરીપર વોર્ડ નંબર ૩માં કૌશલ્યા દેવી તેમની પૌત્રી સાથે જાહેર શૌચાલયમાં જીવન પસાર કરી રહ્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે દિરીપરનું પાડોશી ગામ વર્તમાન ધારાસભ્ય કૃષ્ણ મુરારી શરણનું છે. કૌશલ્યા દેવીનું આ દુનિયામાં કોઈ નથી અને સરકાર તરફથી પણ તેમને કોઈ લાભ નથી મળતો.

કૌશલ્યા દેવીની ૧૦ વર્ષયી પૌત્રીના માતા-પિતાનું અવસાન થઈ ગયું છે. બન્ને ગામમાં ઘરે ઘરે ફરીને જમવાનુ માંગે છે અને પેટ ભરે છે. તડકા અને વરસાદથી બચવા માટે તેમણે શૌચાલયને પોતાનું ઘર બનાવી લીધું છે. ઘર સિવાય પણ અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ આ લોકોને નથી મળી રહ્યો. કૌશલ્યા દેવી જણાવે છે કે તેમના દીકરા, વહુ અને પતિનું મૃત્યુ થઈ ગયું છે. હવે તેઓ એકલા જ છે. આજ સુધી કોઈ સરપંચ, ધારાસભ્ય અથવા પ્રમુખે તેમને કોઈ યોજનાની જાણકારી નથી આપી. ગામના પૂર્વ મુખિયા રવીશ કુમારે જણાવ્યું કે, ૨૦૧૭માં આવાસ યોજના હેઠળ કૌશલ્યા દેવીનું નામ આવ્યુ હતું. તે સમયે તેમની પાસેથી આવાસ યોજનાનો લાભ લેવા માટે લાંચ પેટે પૈસાની માંગ કરવામાં આવી હતી. કૌશલ્યા દેવી ગરીબ હોવાને કારમે પૈસા નહોતા આપી શક્યા અને ક્લિઅરન્સના નામે યાદીમાંથી તેમનું નામ કાઢી નાખવામાં આવ્યુ હતું. તેમના ઘરમાં કોઈ પુરુષ સભ્ય નથી. કૌશલ્યા દેવીની ઉંમર ૭૫ વર્ષ છે અને તેમની પૌત્રી લગભગ ૮ વર્ષની છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449