સિરાજ ફિટનેસ પુરવાર કરશે તો ઈલેવનમાં તક મળી શકશે

દિલ્હી, તા. ૧૦

વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલને હવે ગણતરીના દિવસો બાકી છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ આ મેચ માટે ભારતીય ખેલાડીઓએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. શુક્રવારે સમગ્ર ટીમ એક સાથે અભ્યાસ માટે ઉતરશે તો આ ઝડપી બોલર્સ માટે એક રીતે ઓડિશન હશે.

ટ્રેનિંગ સેશન દરમિયાન બધાની નજર મોહમ્મદ સિરાજ પર રહેશે. કેમ કે, ટીમ મેનેજમેન્ટ સિરાજને ફાઇનલ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા માટે ઉત્સુક છે. જો ટ્રેનિંગ દરમિયાન સિરાજ પોતાની ફિટનેસ સાબિત કરવામાં સફળ રહેશે, તો તેને ફાઇનલ મેચમાં રમાવવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મોહમ્મદ સિરાજને ઇશાંત શર્માની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે. ઓગસ્ટ ૨૦૧૯ના વેસ્ટઇન્ડિઝ પ્રવાસ બાદ આ પ્રથમ વખત છે કે ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ તમામ પસંદગી માટે ઉપલબ્ધ છે. 

ઇશાંત શર્માને ઇંગ્લેન્ડમાં ૧૨ ટેસ્ટ રમવાનો અનુભવ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ ઇશાંતની વધતી ઉંમરને લઇને સચેત છે. ઇશાંથ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ૩૩ વર્ષનો થઇ જશે. ઇશાંતે પગની ઇજા બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ સીરિઝ દ્વારા ટીમમાં વાપસી કરી હતી. સાથે જ ટીમ મેનેજમેન્ટને ઇશાંતના લાંબા બોલિંગ સ્પેલને લઇને પણ મૂંઝવણ છે. આવામાં ટીમ મેનેજમેન્ટ સીરિઝને મોકો આપવા માગે છે, જે પોતાની સ્પીડ ઘટાડ્યા વગર લાંબો સ્પેલ નાંખી શકે છે.

ઇશાંત શર્મા બહાર થવાનું એક કારણ રવિન્દ્ર જાડેજાનું પણ ફિટ થવું છે. રવિન્દ્ર જાડેજા છેલ્લા બે વર્ષથી બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જાડેજાને ઓલરાઉન્ડર તરીકે પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે. ઉપરાંત રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરિજમાં બોલિંગ અને બેટિંગથી પણ સારું પ્રદર્શન કર્યું છે. આવામાં જાડેજા સાથે અશ્વિનનું પણ રમવું નક્કી મનાય છે. સાઉથેમ્પટનમાં હાલ બહુ ઠંડી છે, જેના લીધે ન્યૂઝિલેન્ડની ટીમ ચાર ઝડપી બોલર સાથે ઉતરી શકે છે. ભારતે સાઉથેમ્પટનમાં અત્યાર સુધી બે ટેસ્ટ રમી છે, મોઇન અલીની સ્પિને ભારતીય બેસ્ટમેનોને ઘણા હેરાન કર્યા હતા. જો કે, તે બન્ને ટેસ્ટ ગરમીના અંતમાં રમાઇ હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449