રાહુલના ૨ ભાજપમાં જોડાઈ ગયા અને ૨ છે નારાજ, હવે કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ

જિતિન પ્રસાદ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસમાં આઘાત છે ત્યારે સચિન પાયલોટે લાગ જોઈને કોગ્રેસનું નાક દબાવ્યું છે. પાયલોટે કોંગ્રેસ હાઈકમાન્ડને ગેહલોત સામેની ફરિયાદનો ઉકેલ લાવવા માટે આપેલા વચનની યાદ અપાવી છે. પાયલોટના બળવા પછી કોંગ્રેસે પાયલોટ જૂથની વાત સાંભળવા માટે ત્રણ સભ્યોની સમિતી બનાવી હતી પણ આ સમિતીએ કશું કર્યું નથી.

પાયલોટે કહ્યું કે, મને આશા હતી કે આ કમિટી બહુ ઝડપી પગલાં લેશે પણ દસ મહિના થયા છતાં એક પણ પ્રશ્ન ઉકેલાયો નથી. કોંગ્રેસને જીતાડવા બધું દાવ પર લગાવી દેનારા કાર્યકરોની વાત સાંભળવામાં નથી આવતી એ કમનસીબી કહેવાય.

કોંગ્રેસમાં એક સમયે જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટ અને મુરલી દેવરાની યુવા ત્રિપુટી રાહુલની અત્યંત નજીક મનાતી. જિતિન અને જ્યોતિરાદિત્ય ભાજપમાં જતા રહ્યા છે ત્યારે હવે સચિન પણ જશે એવી અટકળો ચાલી રહી છે ત્યારે પાયલોટનું આ નિવેદન મહત્વનું છે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, બહુ જલદી રાજસ્થાનમાં કેબિનેટ વિસ્તરણ કરાશે કે જેથી પાયલોટ પણ જિતિન-સિંધિયાના રસ્તે ના જાય. જેમાં સિંધિયા અને પ્રસાદ એ ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે પાયલોટ અને મિલિંદ દેવરા રાહુલથી નારાજ છે. જેઓ હવે પોતાનું અસ્તિત્વ કોંગ્રેસમાં ટકાવવા માટે મથામણ કરી રહ્યાં છે. આ ૪ની ત્રિપુટી હંમેશાં એક સાથે જ જોવા મળતી હતી.

રાહુલ ગાંધીની ટીમમાં આ ૪ નેતાઓના નિર્ણયો સર્વમાન્ય ગણાતા હતા. હવે સમય બદલાઈ ગયો છે. રાહુલ ગાંધી સામે જ કોંગ્રેસમાં ભારે નારાજગીને પગલે આ ૪ નેતાઓએ પોતાના જાતે રસ્તા નક્કી કરી લીધા છે. પાયલોટ એ રાજસ્થાનના કદાવર નેતા છે પણ ગહેલોતને કારણે કોંગ્રેસમાં સાઈડલાઈન થઈ ગયા છે. પ્રદેશ પ્રમુખ તરીકે રાજસ્થાનમાં કોંગ્રેસને બેઠી કરવામાં સિંહફાળો હોવા છતાં તેઓને સીએમ પદથી વંચિત રખાયા છે. જેમની ભારે નારાજગી છે. ગહેલોત અને પાયલોટની કાગારોળ હવે દેશના રાજકારણમાં અતિ જાણિતી છે.

બીજી તરફ મુરલી દેવરાનો કોંગ્રેસમાં દબદબો હતો ત્યારે તેમને દીકરા મીલિંગને કોંગ્રેસમાં સેટ કરી લીધો હતો. હવે ધીમેધીમે મહારાષ્ટ્રના રાજકારણમાંથી મિલિંદ દેવરાનું અસ્તિત્વ જ ભૂસાઈ રહ્યું છે.

એક સમયે જિતિનની ગણના યુપીના દિગ્ગજ નેતાઓમાં થતી હતી પણ સળંગ બે લોકસભા ચૂંટણીમાં હાર પછી જિતિનની રાજકીય કારકિર્દી પતી ગયેલી મનાતી હતી. જિતિને બ્રાહ્મણ કાર્ડ રમીને બે વર્ષ પહેલાં ‘બ્રાહ્મણ ચેતના પરિષદ’ની રચના કરીને ફરી પોતાની રાજકીય તાકાત ઉભી કરી છે.

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વગદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષમાં આ  સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે. બ્રાહ્મણ યુવા-યુવતીઓ મોટી સંખ્યામાં આ સંગઠનમાં જોડાઈ રહ્યાં છે. યુપીની વસતીમાં ૧૨ ટકા બ્રાહ્મણો છે. પરંપરાગત રીતે આ મતબેંક ભાજપની છે પણ વિકાસ દુબેના એન્કાઉન્ટર તથા ઉપરાછાપરી બ્રાહ્મણોની હત્યાના કારણે બ્રાહ્મણો નારાજ છે. જિતિનના માધ્યમથી  બ્રાહ્મણોને મનાવી લેવાશે એ ગણતરીએ ભાજપે જિતિનને લઈ લીધા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449