દર વર્ષે જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી હોય છે તેવા લોકપ્રિય શાસ્ત્રીય સંગીત મહોત્સવ

રાજકોટઃ ‘‘સપ્ત સંગીતિ ૨૦૨૧’’ની કોરોના કાળ અને વિષમ પરિસ્થિતિઓને કારણે આ વર્ષે અનોખી વર્ચ્યૂઅલ પ્રસ્તુતિનું ભવ્ય આયોજન

જુનથી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન દર મહિને બે ગાયન અને વાદનના કલાકારોના પરર્ફોમન્સના ’પ્રિમિયર શો’ સપ્ત સંગીતિના ફેસબુક પેજ, ઈન્સ્ટાગ્રામ અને યુટયુબ ચેનલના માધ્યમથી પ્રસ્તુત કરાશેઃપ્રથમ પ્રિમિયર શો ૧૩ જુન રવિવારના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે યોજાશે

રાજકોટ તા.૧૧

ગુજરાતની કલારસિક જનતાની આતુરતાના અંત સાથે તથા કલાપ્રિય જનતાના શિષ્ટ અને પ્રશિષ્ટ, રસ અને રુચિને પુષ્ટ કરવાના હેતુથી, તેમજ અનેક સામાજીક અને શૈક્ષણિક પ્રવૃતિઓ માટે હંમેશા અગ્રેસર રહેતી રાજકોટની પ્રતિષ્ઠિત સંસ્થા, નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સતત પાંચમાં વર્ષે કલા આધારીત રંગા-રંગ મહોત્સવ ’સપ્ત સંગીતિ ૨૦૨૧ કલાસિકલ મ્યુઝિક વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરિઝ’ નવા રુપરંગ સાથે વર્ચ્યૂઅલ્ ઓનલાઇન માધ્યમથી પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. ગત વર્ષે જાન્યુઆરી ૨૦૨૦ માં આયોજીત સપ્ત સંગીતિ કાર્યક્રમની યાદગાર સ્મૃતિઓ હજી શ્રોતાઓ અને દર્શકોના મનમાં જીવંત છે ત્યારે હાલના કોરોના કાળની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંગીત મહોત્સવ શ્રોતાઓ ઓનલાઈન માણી શકે તે માટે નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા વર્ચ્યૂઅલ્ માધ્યમથી કાર્યક્રમના પ્રિમિયર યોજવાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. આ વર્ષે નાવિન્યમાં સંસ્થા દ્વારા ભારતભરમાંથી ઉભરતી ચુંટેલી પ્રતિભાઓ કે જેમણે શાસ્ત્રીય સંગીતને સમર્પિત થઈને આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી છે તેમને શ્રોતાઓ સમક્ષ રજુ કરવાનો, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની પરંપરાને જીવંત રાખવાનો તેમજ હાલની પરિસ્થિતિમાં કલાકારોની પ્રત્યક્ષ પ્રસ્તુતિઓ બંધ થઈ જવાથી તેમને થયેલ આર્થિક નુકશાનમાં મદદરુપ થવાનો નમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આગામી રવિવારે તા.૧૩ જુનના રાત્રે ૯ઃ૦૦ કલાકે શાસ્ત્રીય કંઠય સંગીતના કલાકારા  પ્રિયા પુરુષોથમનનો પ્રિમિયર શો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટયુબના માધ્યમથી રજૂ થશે.

 આપણે સહુ જાણીએ છીએ તેમ, નીઓ રાજકોટ ફાઉન્ડેશન તેની વિશિષ્ટ પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન પ્રયાસ’અને વંચિત બાળકોના અભ્યાસને આયોજનબધ્ધ રીતે કારકિર્દીલક્ષી બનાવવાના સફળ પ્રકલ્પો થકી સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને પ્રાઈવેટ શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્યને આકાર આપવાનું ઉમદા કાર્ય કરે છે. આ પ્રવૃતિનો લાભ હાલમાં રાજકોટની ૧૫ થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતા ૫૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ૨૫ થી વધારે તાલીમબધ્ધ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા આધુનિક સોફ્ટવેર, ઓડીયો-વિઝયુલ લર્નીંગ મટીરીયલ અને ૫૦૦ જેટલા લેપટોપ કોમ્યુટર દ્વારા મળી રહ્યો છે. આ ઉપરાંત હાલની કોરોનાનાં વૈશ્વિક મહામારીના સમયમાં નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા કોવિડ રીલીફ કાર્યક્રમ અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં માતબર રકમના જીવન રક્ષક ઉપકરણો પહોંચાડવામાં આવ્યા તથા રાજકોટની ૧૭ મહાનગરપાલિકા સંચાલીત શાળાઓના બાળકોને ઓનલાઈન અભ્યાસ માટે વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

 સપ્ત સંગીતિની ચાર વર્ષની સફરમાં કલારસીકો જાણે છે તેમ, બેગમ પરવીન સુલતાના,  કૌશીકી ચક્રબર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ, ઉસ્તાદ રશીદ ખાન, . ડો. એન. રાજમ,  શુભા મુદગલ, ઉસ્તાદ ફઝલ કુરેશી, પં. રાજન અને સાજન મીશ્રા, અજોય ચક્રવર્તી, ડો. અશ્વિની ભીડે દેશપાંડે, પુરબયાન ચેટરજી,  ગુંડેચા બ્રઘર્સ,  રોનુ મજુમદાર જેવા દેશના દિગ્ગજ કલાકારોની કલાનો રસાસ્વાદ લેવાનો મોકો પ્રાપ્ત થયો હતો. સપ્ત સંગીતિ ૨૦૨૦ માં રાજકોટની જનતાને પદ્મવિભુષણ પંડિત જસરાજજીને રુબરુ સાંભળવાની અવિસ્મરણીય અને ઐતિહાસિક તક પણ નીઓ રાજકોટ ફાઉન્ડેશનને આભારી છે.

 

 અત્યારની ન્યુ નોર્મલ લાઈફમાં લોકોને દરેક પ્રકારે પોતાની જાતને થોડી બાંધછોડ સાથે પરિસ્થિતિને અનુરુપ થવા પ્રયત્ન કરવો પડે છે. વ્યવસાય, શિક્ષણ, વેપાર વગેરે જેવા અનેક ક્ષેત્રમાં ઓનલાઈન માધ્યમથી કાર્ય થઈ રહ્યુ છે, તો કલાના ક્ષેત્રમાં પણ કલાકારોને તેમના શ્રોતાઓ સુધી પહોંચવા માટે ઓનલાઈન મંચ સર્વપ્રકારે ઉચિત બની રહ્યુ છે. આ ખ્યાલને ચરિતાર્થ કરતા નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા દેશના ખ્યાતિપ્રાપ્ત કલાકારોની પ્રસ્તુતિ રાજકોટની જનતા માટે તદ્દન નિઃશુલ્ક પહોંચાડવા માટે પૂર્વતૈયારીઓ છેલ્લા ઘણા સમયથી શરુ કરી દેવામાં આવી હતી. ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી સતત ચાર વર્ષ રાજકોટ અને ગુજરાતના કલારસિકોને તેમના મનપસંદ કલાકારોની સ્વર, વાદ્ય અને નૃત્યની કલાથી રસતરબોળ થવાનો પ્રત્યક્ષ લાભ મળ્યો હતો, પરંતુ હાલની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પાંચમાં વર્ષે પણ કલાપ્રેમીઓને નિરાશ ન કરતા નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે કલાકારોની વર્ચ્યૂઅલ્ ઓનલાઈન પ્રસ્તુતિ લોકો સુધી પહોંચાડવાનો નિર્ધાર કરેલ છે.

 આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટમાં જુનથી ડિસેમ્બર ૨૦૨૧ સુધી દેશના ખ્યાતમાન કલાકારોને ઘરબેઠા માણવાનો મોકો મળી રહ્યો છે. નીઓ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ કલાકારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી ૧૩ જુનના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે શ્રી પ્રિયા પુરુષોથમનના શાસ્ત્રીય કંઠય સંગીત નો પ્રિમિયર ખાસ સપ્ત સંગીતિના દર્શકો માટે યોજાશે. જેમાં આ સુરીલી કલાકારાને સાંભળવાનો લાહવો સપ્ત સંગીતિના ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી બિલકુલ નિઃશુલ્ક લઈ શકાશે. શ્રી પ્રિયા પુરુષોથમન આગ્રા ઘરાનાના શાસ્ત્રીય ગાયિકા છે. તે વિદુષિ અદિતિ કૈકિની ઉપાધ્યા અને પંડિત સુધિન્દ્ર ભૌમિકના શિષ્યા છે અને હાલમાં શ્રીમતી શશિકલા કૈકિનીનું માર્ગદર્શન મેળવી રહ્યા છે. તેમને સ્વ. પંડિત દિનકર કૈકિની પાસે પણ અભ્યાસ કરવાની તક મળી છે. તેમણે ભારત ઉપરાંત યુ.એસ અને યુરોપના વિવિધ ભાગોમાં પોતાની કલાનું મંચન કરેલ છે. જેમાં લંડનનું બાર્બીકન સેન્ટર, ન્યુયોર્ક સ્ટેટના કાર્નેગી હોલ, બોસ્ટન, મુંબઈ, ચેન્નઈ, મૈસુર, દિલ્હી અને કલકત્તા જેવા શહેરોમાં કાર્યક્રમો કરેલા છે. આ ઉપરાંત તેઓ ઓલ ઈન્ડિયા રેડિયોના ગ્રેડેડ આર્ટીસ્ટ છે. આ કાર્યક્રમમાં  પ્રિયા પુરુષોથમન સાથે હાર્મોનિયમ પર પં. વ્યાસમૂર્તિ કટ્ટી, તબલા પર સાગર ભારદ્વાજ અને તાનપુરા પર શ્રી મનિષા વ્યાસ સંગત કરશે. સપ્ત સંગીતિ દ્વાર જાહેર કરવામાં આવેલ દેશના ખ્યાતનામ કલાકારોના કે જેના વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ પ્રિમિયર આગામી સમયમાં યોજાવાના છે, તેમાં  ષડજ ગોડખિંડીનું બાસુરીવાદન, નબનિતા ચૌધરીનું શાસ્ત્રીય કંઠય સંગીત,  બ્રિજેશ્વર મુખર્જી દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત, શ્રી સંસ્ક્રાતિ અને શ્રી પ્રક્રાતિ વાહનેનું સિતાર અને સંતુરવાદન,  કૌશર હાજી દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત, શ્રવની વછરાજાનીનું શાસ્ત્રીય કંઠય સંગીત, શરદ પ્રસન દાસનું વાયોલિનવાદન અને પલાશ ધોળકિયાના શાસ્ત્રીય કંઠય સગીતનો લાભ આગામી સમયમાં માણી શકાશે. આગામી પ્રિમિયરોની તારીખ અને સમય ફેસબુક, વોટસ એપ, મેસેજીંગ અને મીડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. તમામ કાર્યક્રમના નોટીફીકેશન માટે તમે સપ્ત સંગીતિની યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. સપ્ત સંગિતીના ફેસબુક પેજ ઉપર અગાઉના વર્ષોમાં યોજાયેલ કાર્યક્રમોના રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, જે શ્રોતાઓ કોઈપણ સમયે માણી શકે છે.  આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પાછલા ચાર વર્ષની અપ્રતીમ સફળતા પછી આ વર્ષે વર્ચ્યુઅલ ઓનલાઇન પ્રસ્તુતી પણ સંગીતપ્રેમીઓના દિલ જીતી લેશે, તેવો આયોજકોને વિશ્વાસ છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449