લેઉવા-કડવા પાટીદારો ફરી આવશે એક મંચ પર, કાગવડના ખોડલધામ ખાતે બેઠક

મોટી રાજકીય ઉથલ પાથલના સંકેત!

રાજકોટ તા.૧૧

૧૫મી જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના પ્રભારી વચ્ચે બેઠક

ભાજપની બેઠક પહેલા જ લેઉવા અને કડવા પાટીદાર આગેવાનો મળશે

બેરોજગારી અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશેઃ આર.પી.પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે ૧૫ જૂને બેઠક યોજાવાની છે. આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે. પરંતુ ભાજપ કોઈ પ્લાનિંગ કરે એ પહેલા એક મોટો સંયોગ થવા જઈ રહ્યો છે. ૧૨મી જૂને ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાવાની છે.આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાન્યુઆરી ૨૦૨૧માં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા. આ બેઠક ૬ સંસ્થાઓના અગ્રણીઓની બેઠક છે. આ કમિટી પિરિયોડિકલી મળતી હોય છે. તેમાં સમાજના પ્રશ્નોની અને સરકાર લેવલે રજૂઆત કરવાની હોય તો તે મુદ્દે ચર્ચા થાય છે. આવતીકાલની બેઠકમાં બિન અનામત આયોગ અને નિગમના ચેરમેનની નિમણૂંક પડતર રહી છે, એટલે એ બાબતે ચર્ચા થશે. તેમજ કોરોનામાં ભાંગી પડેલા વેપાર-ધંધા પર પર ચર્ચા કરાશે. હાલ ચૂંટણીની ચર્ચા અત્યારના તબક્કે અસ્થાને છે. જો કે બેરોજગારી મામલે પણ ચોક્કસ ચર્ચા થશે, ત્યાર બાદ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે અને વિરોધ પક્ષ પણ સરકારને ઘેરતો આવ્યો છે. ત્યારે આવા અનેક મુદ્દે સરકારની નબળી કામગીરીથી કેટલાક અંસતુષ્ટ ધારાસભ્યોમાં ગણગણાટ છે.ડિસેમ્બર, ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આવતીકાલે પાટીદાર સમાજ એક મંચ પર આવી રહ્યો છે. આમ ૫ મહિનામાં ફરીવાર લેઉવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર જોવા મળશે.ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં ઉથલ પાથલની શક્યતા છે. આ બેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે. આ બેઠક ખોડલધામ કાગવડ ખાતે સવારે ૧૦ કલાકે યોજાશે. ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક છે.જાન્યુઆરી, ૨૦૨૧માં ઉંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજ વચ્ચે બેઠક યોજાઈ હતી. ઉમિયાધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, રાજકીય અને સામાજિક બાબતોમાં જ્યારે પાટીદાર સમાજની નોંધ લેવામાં આવતી નથી. જીડીપી વધારી શકે તેવી શક્તિ પાટીદાર સમાજમાં છે, ઉદ્યોગથી લઈને તમામ ક્ષેત્રમાં પાટીદાર ભાઈઓ છે. લેઉવા અને કડવા પાટીદાર સમાજ ક્યારેય અલગ રહ્યો નથી, બન્ને સાથે મળીને શૈક્ષણિક અને સમાજના ઉત્થાન માટેના કાર્યો કરી રહ્યાં છે. સમાજના યુવાઓને જ્યારે પણ જરૂર પડી ત્યારે ઉંઝા અને કાગવડ હંમેશા તેમની પડખે રહ્યાં છે.

પટેલ પાવર

ગુજરાતની વસ્તીમાં ૧૫% હિસ્સો

ગુજરાતમાં અટકના મામલે નંબર ૧, ભારતમાં અટકના મામલે નંબર ૨

એક નાયબ CM સહિત સરકારમાં ૭ મંત્રીઓ

ગુજરાતમાં કુલ ૪૪ પટેલ ધારાસભ્યો

સાંસદો જેમાં ૬ લોકસભા અને ૩ રાજ્યસભામાં

૩૫થી વધારે IAS સહિત વહીવટી તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ

૪૦થી વધારે IPS સહિત પોલીસ ખાતામાં ઉચ્ચ અધિકારીઓ

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449