શંકરાચાર્ય સ્વામી સ્વરૃપાનનંદ સરસ્વતીનું નિવેદન, રામ મંદિર ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારીઓનો કબ્જો,મોદી તાત્કાલિક તેમને પદ પરથી દૂર કરે

અયોધ્યા,તા.૧૬

શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર લાગેલા જમીન કૌભાંડના આરોપોએ અત્યારે જોર પકડ્યું છે. હવે આ મામલે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિવેદન આવ્યું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને બેજવાબદાર ગણાવતા હટાવવાની માંગ કરી છે. દ્વીપીઠાધિશ્વર જગતગુરૂએ નરસિંહપુર જિલ્લાના ઝોતેશ્વરમાં પરમહંસી ગંગા આશ્રમમાં પ્રેસ કૉન્ફરન્સ કરી. તેમણે અયોધ્યામાં થઈ રહેલા મંદિર નિર્માણમાં રહેલા ટ્રસ્ટના બહાને સંઘ અને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટ પર જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. શંકરાચાર્યએ કહ્યું કે, સરકારે ટ્રસ્ટ બનાવ્યું અને તેમાં ભ્રષ્ટાચારીઓને સામેલ કરવામાં આવ્યા. ચંપત રાય કોણ હતા? એ પહેલા કોઈ નહોતું જાણતું, પરંતુ તેમને રામ મંદિર ટ્રસ્ટમાં સર્વે સર્વા બનાવી દેવામાં આવ્યા. તેમણે નામ લીધા વગર કેન્દ્ર સરકાર પર ગૌહત્યા બંધ ના કરાવવાને લઇને નિશાન સાધ્યું.

શંકરાચાર્યએ કહ્યું કે, ગૌહત્યાબંધી માટે જ્યારે તેમની સંખ્યા સંસદમાં ૨ હતી, ત્યારે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો, જ્યારે સંસદમાં આમની સંખ્યા ૨૦૦થી વધારે થઈ ગઈ તો તેઓ ગૌહત્યાબંધીનો નારો ભૂલી ગયા. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મંદિરના શિલાન્યાસ પર પણ પ્રશ્નો ઊઠાવ્યા. તેમણે કહ્યું કે, શ્રીરામ મંદિર નિર્માણના શિલાન્યાસમાં શુભ મુહૂર્ત પર ધ્યાન ના આપવામાં આવ્યું, મંદિરનો શિલાન્યાસ અત્યંત અશુભ મુહૂર્તમાં કરવામાં આવ્યો છે, જેનો અમે વિરોધ પણ કર્યો પરંતુ કોઈએ ધ્યાન ના આપ્યું. આ કારણે ટ્રસ્ટીઓની બુદ્ધિ ખરાબ થઈ રહી છે, જેનું ઉદાહરણ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય છે.

શંકરાચાર્યએ ચંપત રાય પર નિશાન સાધતા કહ્યું કે, મંદિર નિર્માણ માટે જે રકમ આવી તેનાથી મોંઘા ભાવે જમીન ખરીદવામાં આવી રહી છે. આવામાં ચંપત રાય કહી રહ્યા છે કે, અમારા પર ગાંધીજીની હત્યાનો આરોપ પણ લાગી ચુક્યો છે. અમે આરોપોની ચિંતા નથી કરતા, તો આવા બેજવાબદાર લોકો કઈ રીતે ટ્રસ્ટી પદ પર બેઠા છે? આમને તાત્કાલિક ટ્રસ્ટી પદેથી હટાવી દેવા જોઇએ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449