નવું સહકાર મંત્રાલયઃ બેન્કિંગ, ડેરી વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જશે

કેન્દ્ર સરકારે આઝાદીના ૭૫ વર્ષ પછી સહકાર ક્ષેત્ર માટે અલગ જ વિભાગ-મંત્રાલય કરવાનો નિર્ણય ગ્રામીણ વિસ્તારની શિકલ બદલી નાખશે. સૌથી વધુ પ્રભાવ ધરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કામગીરી બાહોશ રાજકારણી અને સહકારી ક્ષેત્રના સોળે સોપારા ભણેલા અમિત શાહને તેની બાગડોર સોંપી છે. કાબેલિયત ધરાવતા નેતાને આ જવાબદારી સોંપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તો સમગ્ર દેશની સહકારી બેન્કો માટે એક જ કાયદો લાવવાનો ઇરાદો છે. અર્બન કોઓપરેટીવ બેન્ક માટે પણ એક દેશ એક જ કાયદો લાગુ કરવાનું ધ્યેય છે. સહકારી ક્ષેત્રના સાહસિકોને સ્ટાર્ટ અપ અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્શની બધી જ સવલતો મળે તેવી વ્યવસ્થા કરવાની નેમ છે. નવી સહકારી નીતિ તૈયાર કરી તેનો અમલ કરાવવાનું લક્ષ્યાંક છે. તેથી જ અમદાવાદ જિલ્લા સહકારી બેન્કનું સંચાલક મંડળ તેમના પૂર્વ ચેરમેન અમિત શાહની નિમણૂકથી ગૌરવાન્વિત થયાની લાગણી અનુભવે છે. આ માટે પ્રધાન મંત્રીનો આભાર પણ માને છે. કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક પગલાંથી અલગ વહીવટી, કાનૂની અને નીતિવિષયક માળખું તૈયાર થશે. તેનાથી સહકારી ચળવળ વધુ મજબૂત બનશે. મલ્ટી સ્ટેટ કોઓપરેટીવ બેન્કનો વિકાસ પણ વેગ પકડશે.

આમ તો વિના સહકાર, નહિ ઉદ્ધારના સૂત્ર સાથે આજથી ૧૧૬ વર્ષ પહેલા ૧૯૦૪ના અરસામાં સહકારી પ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. દૂધની ડેરી, ખાંડ મિલો અને બેન્કિંગ તથા માર્કેટિંગના સેક્ટરમાં સહકારી ક્ષેત્રએ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત દેશભરમાં કાઠું કાઢ્યું છે. ઇફકો, ક્રિભકો અને અમૂલએ સહકારી ક્ષેત્રની સફળતાના શિખરો છે. સમગ્ર વિશ્વમાં આ સંસ્થાઓનો ડંકો વાગે છે.

સહકારના માધ્યમથી સમૃદ્ધિના પથ પર પદાર્પણ કરશે. સહકારી પ્રવૃત્તિ ગરીબની સમૃદ્ધિના દ્વાર ખોલે છે. આ હકીકતને મુખ્યમંત્રી બન્યા તે પૂર્વેથી નરેન્દ્ર મોદીએ સ્વીકારી છે. મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં પણે તેમણે ગામડાંની નાનામાં નાની વ્યક્તિને ઉપયોગી થવા અને ગ્રામીણ પ્રજાનો ઉદ્ધાર કરવા તેમણે સહકારી ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું જ છે.

સહકાર એ એવું ક્ષેત્ર છે કે જેના થકી ગ્રામીણ વિસ્તારના લોકોની સમૃદ્ધિ વધશે અને તેઓ શહેર તરફનું સ્થળાંતર ઘટી જશે. ભાજપમાં સહકાર સેલની કરવામાં આવેલી રચના તેનો એક બોલતો પુરાવો છે. કેન્દ્રમાં ગયા પછી ૨૦૨૦-૨૧ની સાલના બજેટમા અલગ સહકાર મંત્રાલય બનાવવાની જાહેરાત કરીને કૃષિ અને ખેડૂત કલ્યાણના મંત્રાલયથી તેને અલગ કરી સ્વતંત્ર સહકારી વિભાગની સ્થાપના કરી. આ સાથે જ બજેટમાં આપેલું વચન પાળ્યું અને સહકારથી સમૃદ્ધિની દિશામાં જવાના ધ્યેયને સાકાર કરવાની દિશામાં ડગ માંડ્યું છે.

હવે સહકારને લગતા અલગ અલગ કાયદાઓમાં જરુરી સુધારાઓ કરીને તેમને માટે બિઝનેસના નવા વિકલ્પો ઊભા કરશે. આ બિઝનેસ સરળતાથી થઈ શકે તેવા પ્રયાસ કરશે. આજે પણ કૃષિપેદાશોના મૂલ્યવર્ધન, વેપાર, બેન્કિંગ, પશુપાલન, ઔદ્યોગિક અને ટેક્નોલોજીના ક્ષેત્ર સુધી સહકારી પ્રવૃત્તિનું ફલક વિસ્તરી ચૂક્યું છે. આ તમામ પ્રવૃત્તિને વધુ સંગીન ફલક પર લઈ જવામાં આવશે. તેમ જ સહાકરી સંસ્થાઓની મદદથી આ ક્ષેત્રની પ્રવૃત્તિઓને વધુ સુદ્રઢ કરીને રોજગારીના સર્જનના વિઝન સાથે સહકાર વિભાગની સ્થાપના કરવામાં આવી છે.

નવા રચાયેલા ખાતાનો હવાલો સંભાળનાર દૂરંદેશી નેતા અમિત શાહ આર્થિક, રાજકીય અને સામાજિક રીતે સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રને અલગ ઊંચાઈએ બેસાડી દેશે. સહકારથી સમૃદ્ધિ સુધીના સૂત્રને સાકાર કરી બતાવશે. સમુદાય આધારિત વિકાસના નવયુગનો આરંભ કરશે. તેના થકી આત્મનિર્ભર ભારતના સપનાંને સાકાર પણ કરશે.

માધુપુરાના થાપણદારોના

રુા. ૩૮૬ કરોડ ચૂકવ્યા

અમિત શાહની સહકાર પ્રત્યેની લગની, દીર્ઘદ્રષ્ટિ, સહકારથી વિકાસ પ્રત્યેની તેમની દૂરંદેશી અને ગુજરાતમાંના તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા પગલાં તેમની કાબેલિયતના પુરાવા સમાન છે. ૨૦૦૧માં ગુજરાતની માધુપુરા મર્કન્ટાઈલ કોઓપરેટીવ બેન્ક કાચી પડતાં ૪૫૦૦૦ થાપણદારોના રુા. ૭૩૬ કરોડથી વધુ સલવાઈ ગયા હતા. થાપણદારોના પૈસા પરત ન મળે તેમ હોવાથી રાતે પાણીએ રોવાની નોબત આવી હતી. તેમ જ ગુજરાતની અસંખ્ય સહકારી બેન્કોની અબજોની થાપણ ફસાઈ ગઈ હતી. આ થાપણ પરત ન મળે તો સંખ્યાબંધ સહકારી બેન્કો બેસી જાય તેવી ભીતિ ઊભી થઈ હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રમાં હજી તો પગ મૂકનાર અમિત શાહના મજબૂત ખભા પર નાખી દીધી. તેઓ અમદાવાદ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન તરીકે ચૂંટાયા પછી તરત જ તેમને માથે આ જવાબદારી નાખી દેવામાં આવી હતી. તેમના કાબિલેતારીફ આયોજનને પરિણામે થાપણદારોને તેમના રુા. ૩૮૬ કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. તદુપરાંત બેન્કે રુા. ૨૧૦ કરોડનું રિકવરી ફંડ એકત્રિત કરી લીધું છે. આ ફંડની ચૂકવણીની પ્રક્રિયા ચાલુ જ છે. માધુપુરા બેન્કમાં ૧૮૦ સહકારી બેન્કોએ મૂકેલા રુા. ૮૦૦ કરોડને સલામત કરાવવાની કામગીરી પણ તેમણે કરી બેન્કોને નવજીવન અપાવ્યું હતું. સહકારી બેન્કોને માથે આવેલી ગંભીર કટોકટીમાંથી તેમણે માર્ગ કાઢ્યો હતો. છ વર્ષથી ખોટમાં ચાલતી અને રુા. ૨૦.૨૮ કરોડની ખોટ ધરાવતી અમદાવાદ જિલ્લા સહકારી બેન્કના ચેરમેનપદે બેઠાં પછી બેન્કને તેમણે એક જ વર્ષમાં નફો કરતી કરી બતાવી સભાસદોને ડિવિડંડ પણ અપાવ્યું હતું.

નબળી પડી શકે તેવી બેન્કોને લિક્વિડીટી સપોર્ટ અપાવ્યો

ગંભીર નાણાંકીય કટોકટીમાં ફસાયેલી નાગરિક સહકારી બેન્કોના વહારે આવવાની, લિક્વિડિટી સપોર્ટ પૂરો પાડવા માટે ગુજરાતના કૃષિ-સહકાર ખાતામાંથી ઠરાવો પસાર કરાવીને નાગરિક સહકારી બેન્કોને તેમણે લિક્વિડિટી સપોર્ટ પૂરો પાડ્યો હતો. અમદાવાદ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન હોવાને નાતે તેમણે એ.ડી.સી. બેન્ક તથા ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કની મદદ લઈને નાગરિક સહકારી બેન્કોને ટકાવી રાખવા માટે ૫૦ - ૫૦ ટકા નાણાંકીય સપોર્ટ અપાવ્યો હતો. આમ સંખ્યાબંધ બેન્કોને ફડચામાં જતી અટકાવી હતી. થાપણદારોને તેમની મૂડી પરત અપાવી હતી. અર્બન કોઓપરેટીવ બેન્કો માટે પણ ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટમાં પ્રકરણ ૧૦ - બી જેવી કેટલીક જોગવાઈઓ દાખલ કરાવીને તેમની આર્થિક તન્દુરસ્તીને બરકરાર રાખી હતી. માધુપુરા બેન્ક કાચી પડી ત્યારે ૩૫૦ નાગરિક સહકારી બેન્કો પાસે રુા. ૧૭,૭૯૧ કરોડની થાપણો હતી. આ થાપણો ઘટીને રુા. ૧૫, ૯૮૩ કરોડ થઈ ગઈ હતી. કારણ કે સહકારના ક્ષેત્રમાંથી થાપણદારોનો વિશ્વાસ ડગમગી ગયો હતો. તેથી લોકોનો વિશ્વાસ પુનઃપ્રસ્થાપિત કરવા માટે સહકારી કાયદામાં સુધારાઓ દાખલ કરાવ્યા હતા.

યોગ્ય વ્યક્તિ જ બેન્કની ડિરેક્ટર બની શકે

તેમણે કરાવેલા સુધારાઓમાં પહેલો સુધારો નાગરિક સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યની લાયકાતો અને ગેરલાયકાતો નક્કી કરવાના સુધારો છે. બીજું, ઓછામાં ઓછા ૩ વર્ષથી બેન્કનો સભાસદ હોય અને રુા. ૨૦,૦૦૦થી ઓછી થાપણો ધરાવતો ન હોય તેવા સભ્યને જ બેન્કના ડિરેક્ટર તરીકે ચૂંટણી લડવાની છૂટ આપતી જોગવાઈ કરી. તેની સાથે ડિરેક્ટરની ચૂંટણી લડનાર કોઈપણ બેન્કનો બાકીદાર ન હોવો જોઈએ તેવી જોગવાઈ કરીને પ્રામાણિક અને નિયમિત લોન ભરનારને જ બેન્કના ડિરેક્ટર તરીકે સ્થાન મળે તેવી વ્યવસ્થા કરી. ત્રીજું, બેન્કના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બે મુદતથી વધુ સમય માટે હોદ્દો ગ્રહણ ન કરી શકે તેવો પ્રબંધ પણ કરાવ્યો. ચોથું, દરેક નાગરિક સહકારી બેન્ક માટે નફાની ૧૫ ટકા રકમ શહેરી બેન્ક સમકારી  ફંડમાં જમા કરાવવાનું ફરજિયાત બનાવ્યું હતું. કોઈ બેન્ક સંજોગવશાત બંધ થાય તો આ ફંડમાંથી થાપણદારોને નાણાં ચૂકવવાની વ્યવસ્થા કરી છે.

થાપણદારોના ડૂબેલા રુા. ૧૫૨૪ કરોડ અપાવ્યા

માધુપુરા બેન્ક પછી સરકારી બેન્કો કાચી પડવા માંડતા ગુજરાતની ૮૧ નાગરિક સહકારી બેન્કોના ૧૭,૬૯,૫૮૨ થાપણદારોને વહેલામાં વહેલા રુા. ૧૫૨૪ કરોડ અપાવડાવ્યા હતા. આ રીતે સહકારી ક્ષેત્રમાં તેમણે થાપણદારોનો વિશ્વાસ પુનઃ સંપાદિત કર્યો હતો. ૨૦૦૮-૦૯ની સાલ સુધીમાં સહકારી બેન્કોની થાપણ રુા. ૧૭૦૦૦ કરોડથી વધી ગઈ એટલું જ નહિ, આજે ૨૨૦ પ્લસ સહકારી બેન્કોની કુલ થાપણ રુા. ૬૦,૦૦૦ કરોડથી વધી ગઈ છે. આમ સહકારી ક્ષેત્રમાં પ્રજાનો વિશ્વાસ પુનઃપ્રસ્થાપિત કરવાની કદાવર કામગીરી તેમણે કરી દેખાડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મૂલ્યવાન માર્ગદર્શન અને અમિત શાહના પ્રયાસોના ફળસ્વરુપે ગુજરાતનું સહકારી ક્ષેત્ર કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. હવે દેશના સહકારી ક્ષેત્રને આ પથ પર લઈ જવાના મહાઅભિયાનનો આરંભ કરવામાં આવશે.

સહકારી મંડળીઓને ૯૦ ટકા સબસિડી અપાવી

નરેન્દ્ર મોદી અને અમિત શાહની સિદ્ધિઓનું સમાપન અહીં નથી થતું. સૌથી પહેલા તો તેમણે ગુજરાતમાં ખેડૂતોને ૭ ટકા વ્યાજદરે કૃષિ ધિરાણ મળે તે માટે બે ટકાનું ઇન્ટરેસ્ટ સબવેન્શન આપવાનું શરુ કરાવ્યું. કેન્દ્ર સરકાર તરફથી પણ વ્યાજ સહાય-ઇન્ટરેસ્ટ સબવેન્શન આપવામાં આવતાં ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજદરે કૃષિ ધિરાણ મળી રહ્યું છે. બીજું, પાંચ જિલ્લા સહકારી બેન્કોને કેપિટલ ફંડમાં રુા. ૮૪ કરોડની તત્કાળ સહાય અપાવી. તેમને રિઝર્વ બેન્ક પાસેથી લાઈસન્સ અપાવવામાં મદદ કરી. ત્રીજું, ગુજરાતની સહકારી મંડળીઓને ૯૦ ટકા સબસિડી આપી ગ્રામીણ ક્ષેત્રમાં વેર હાઉસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાવ્યું. ગોદામો માટે સબસિડી અપાવવાની કામગીરી કરી છે. ચોથું, પ્રધાનમંત્રી બન્યા પછી ખેડૂતોને માટે ફરજિયાત પાક વીમા યોજનાને મરજિયાત બનાવી. બેન્કમાં મૂકવામાં આવતી થાપણોની વીમા સુરક્ષિત રકમ રુા. ૧ લાખથી વધારીને રુા. ૫ લાખ કરી આપી. પાંચમું ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક સેવા સહકારી મંડળીઓ માટે નાબાર્ડના માધ્યમથી પેક્સ-ટુ એમ.એસ.સી. યોજના અમલમાં મૂકાવી. પ્રાથમિક સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઈઝેશનમાં પણ તેમનો ફાળો નાનોસૂનો નથી.

ગુજરાતના ડેરી સેક્ટરને સંગીન ફલક પર લઈ જવામાં પણ તેમની ભૂમિકા મહત્વની છે. ડેરી ઉદ્યોગની મજબૂત બનાવીને મહિલાઓના સશક્તિકરણને બળ પૂરું પાડવાની કામગીરી તેમણે કરી છે. ગુજરાતની ૧૮ સહકારી ડેરીઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના માધ્યમથી દૂધના કલેક્શન, પ્રોસેસિંગ, માર્કેટિંગ સુધીની સુચારુ વ્યવસ્થા તેમણે ઊભી કરેલી છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના રુા. ૪૦,૦૦૦ કરોડનું વાર્ષિક  ટર્નઓવર ગુજરાતના ડેરી ઉદ્યોગની સફળતાને પ્રતિપાદિત કરે છે. વિશ્વભરમાં તેના થકી જ ગુજરાતનો ડેરી સહકારી ઉદ્યોગ ખ્યાત છે. ડેરી ક્ષેત્રમાં શ્વેતક્રાંતિ સર્જવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર અમૂલ ડેરી એ ગુજરાતના સહકારી મોડેલનું ઉત્તમ ઉદાહરણ છે. તેની પેટર્નને શહેરોમાં ટ્રાન્સપોર્ટેશનમાં કેબ અને રિક્ષા ચલાવતા ડ્રાઈવર્સ કોઓપરેટીવ સોસાયટી તથા રેસ્ટોરાંને ડિલીવરી બોયની કોઓપરેટીવ સોસાયટી રચવામાં આવે તો તેનો મહત્તમ નફો કોર્પોરેટ સેક્ટરને મળવાને બદલે સહકારી સોસાયટીને મળી શકે છે. આ જ રીતે આપણા દેશને આ રીતે આત્મનિર્ભર બનાવી શકાશે. ગૃહમંત્રી પ્રેરિત સ્વદેશી ચળવળને પણ વેગ મળશે.

ઇથેનોલના માધ્યમથી ખેડૂતોની આવક વધારી

ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ પણ સહકારી માળખાનો એક હિસ્સો જ છે. એશિયામાં સૌથી વધુ પ્રોસેસિંગ કરતી ખાંડમિલ આજે પણ બારડોલીમાં છે. બારડોલી સુગર મિલ રોજના ૧૦,૦૦૦ મેટ્રિકટન ખાંડનું પ્રોસેસિંગ કરે છે. ગુજરાતમાં ૧૨ સુગર મિલો સક્રિય છે. તેમની દૈનિક ક્ષમતા ૬૬૦૦૦ મેટ્રિક ટન પ્રોસેસિંગ કરવાની છે. તેમાંથી સાત સુગર મિલ ડિસ્ટીલરી પણ ચલાવે છે. તેમાંથી ઇથેનોલ બનાવે છે. આ ઇથેનોલ પેટ્રોલમાં ૧૦થી ૨૦ ટકા મિશ્રણ કરવાની છૂટ અપાઈ હોવાથી ભારતનું ક્રૂડઓઈલની આયાતમાં વપરાતું વિદેશી હૂંડિયામણ બચે છે. પરિણામે ખેડૂતોને શેરડીનો સારો ભાવ પણ મળે છે.

કૃષિ ઉપજના વેચાણ માટે એપીએમસી

કૃષિ ઉપજના પોષણક્ષમ ભાવ મળે તે માટે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના માળખાને ગુજરાતમાં સંગીન બનાવવા જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકેલી છે. એ.પી.એમ.સી.ને ડિજિટલ મોડેલથી જોડવા માટે અને ખેડૂતોની ઉપજનું સરળતાથી વેચાણ થઈ શકે તે માટે ઇનામનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવેલું છે. તેની સાથે ૧૦૫ જેટલી એપીએમસી જોડાઈ છે. એપીએમસીમાં લેબોરેટરી સ્થાપવાની, વેર હાઉસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની, કોલ્ડ સ્ટોરેજની ચેઈન બનાવવા તથા નાના ફૂડ પ્રોસેસિંગ યુનિટ બનાવવા અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકેલી છે.

એક લાખ કરોડનું

કૃષિ ઇન્ફ્રા ફંડ

પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા માટે કૃષિ ક્ષેત્ર માટે માળખાકીય સુવિધા ઊભી કરવા રુા. ૧ લાખ કરોડના ફંડની સ્થાપના કરી છે. ફંડનો ઉપયોગ કૃષિ ઉત્પાદનોને સંગ્રહ, પરિવહન, પ્રોસેસિંગની સુવિધા ઊભી કરી મૂલ્યવર્ધન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેના માધ્યમથી સ્વદેશી બ્રાન્ડને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લોકપ્રિય બનાવીને વોકલ ફોર લોકલના સૂત્રને ચરિતાર્થ કરી દેખાડ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449