ધ્રાંગધ્રામાં થઈ રહયું છે, ઓર્ગેનિક પધ્ધતિથી ટીસ્યુ કલ્ચર ખારેકનું ઉત્પાદન

ધ્રાંગધ્રાના પ્રગતિશિલ ખેડૂત મહેશભાઈને ખારેકના ઉત્પાદનમાં ૨૦૨૦ના વર્ષમાં રૂપિયા ૧૭ થી ૧૮ લાખની આવકની સાથે આ વર્ષે ૨૫ થી ૨૬ લાખ રૂપિયાની આવકનો અંદાજ

 કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી - સમૃધ્ધ બને તથા ખેતી અને ખેડૂતની આર્થિક સમૃધ્ધિમાં વધારો થાય અને કૃષિ આધારિત અર્થતંત્રને નવું બળ મળે તે માટે વડાપ્રધાનશ્રીએ દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત સરકારે કટીબધ્ધતા સાથે કાર્ય આરંભ્યું, જેના પરિણામે ગુજરાતના ખેડૂતો સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃધ્ધિની દિશામાં આગળ વધી રહયાં છે.રાજય સરકારની કૃષિલક્ષી વિવિધ યોજનાઓ અને લોકજાગૃતિના કાર્યક્રમોના કારણે ખેડૂતોમાં જાગૃતિ આવી છે, અને જગતના તાત હવે ચીલા ચાલુ ખેત પધ્ધતિમાંથી બહાર આવી, વૈજ્ઞાનિક પધ્ધતિ સાથેની ખેતી અપનાવી, બાગાયતી પાકોના વાવેતર થકી મબલખ કમાણી કરી રહયા છે. આ ખેડૂત પૈકીના એક પ્રગતિશિલ ખેડૂત એટલે ધ્રાંગધ્રાના મહેશભાઈ સોલંકી.

મહેશભાઈએ ૨૦૧૫ના વર્ષમાં તેમણે ઈઝરાઈલથી એક છોડના રુપિયા ૩૬૫૦ના ભાવે ૪૦૦ જેટલા છોડ મંગાવી તેમની જમીનમાં રોપ્યા. તે વખતે તેમને ટીસ્યુ કલ્ચર ખારેકના વાવેતર પાછળ અંદાજીત નવેક લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. ૨૦૧૫ના વર્ષથી ઓર્ગેનિક ખારેકના ઉત્પાદનથી શરુ કરેલ સફરની ગાથા વર્ણાવતા મહેશભાઈ કહે છે કે, તે વખતે મને બાગાયત વિભાગના અધિકારીઓનું સતત માર્ગદર્શન મળતું રહયું. સાથો - સાથ બાગાયત વિભાગની યોજનાનો લાભ પણ મને મળ્યો, જેના કારણે મને આર્થિક ફાયદો થયો. ઓર્ગેનિક ઉત્પાદન માટે મને જરુર હતી ગૌમૂત્ર અને છાણની. આ માટે મે શરુઆતમાં બે ગાય લીધી અને ત્યારબાદ ક્રમશઃ તેમાં વધારો થતાં હાલમાં મારી પાસે નાની મોટી થઈ ૧૫ થી વધુ ગાયો છે. ઉત્પાદન શરુ થયા બાદ પ્રથમ વર્ષે એટલે કે, ૨૦૧૮ના વર્ષમાં ખર્ચ કાઢતા મને રુપિયા ૬ થી ૭ લાખનો ફાયદો થયો છે. ૨૦૧૯ના વર્ષમાં ખારેકનું ૨૫ ટન જેટલું ઉત્પાદન થયું હતુ. તેની સામે ૨૦૨૦ના વર્ષમાં ૪૦ ટન જેટલા ખારેકના ઉત્પાદનની સામે રુપિયા ૧૭ થી ૧૮ લાખની આવક મને થઈ હતી. આ વર્ષે પણ મને ૮૦ ટન જેટલા ઉત્પાદનની સામે રુપિયા ૨૫ થી ૨૬ લાખની આવક થવાનો અંદાજ છે.

રાજય સરકારની કટીબધ્ધતા, બાગાયત વિભાગના અધિકારીઓની કાર્યનિષ્ઠા અને ખેડૂતોની બાગાયત પાકોના વાવેતરની પ્રતિબધ્ધતાનું ખૂબ જ સારુ પરિણામ આજે ઝાલાવાડની ધરા ઉપર જોવા મળી રહયું છે. આજે અહિંના ખેડૂતોને પિયત માટે નર્મદાના નીર અને સરકારશ્રીની કૃષિ સમૃધ્ધિ માટેની યોજનાઓનો લાભ મળતા ઝાલાવાડની ખેતી અને ખેડૂત સમૃધ્ધિની દિશામાં મકકમતા સાથે આગળ વધી રહયા છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449