મારા સંબંધીઓ પરીક્ષામાં પોતાના દમ પર પાસ થયાઃ ગોવિંદ સિંહ ડોટસરા

ભાજપે હેરફેરના આરોપ લગાવ રાજીનામાની માંગ કરી

રાજસ્થાનમાં શિક્ષણમંત્રીના સંબંધીઓની પ્રશાસનિક સેવામાં પસંદગી થતા વિવાદ

જયપુર,તા.૨૧

રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટસરાના સંબંધીઓની રાજસ્થાન પ્રશાસનિક સેવામાં પસંદગીને લઈ વિવાદ વકરી રહ્યો છે. ભાજપના નેતા સુરેન્દ્ર સિંહ શેખાવતે શિક્ષણ મંત્રી પર રાજસ્થાન પ્રશાસનિક સેવાની પરીક્ષામાં હેરફેર કરવાનો આરોપ લગાવીને તેમના રાજીનામાની માગણી કરી છે.

ભાજપના નેતાએ લગાવેલા આરોપ પ્રમાણે ગોવિંદ સિંહ ડોટસરાની પુત્રવધુ પ્રતિભા પુનિયા, તેમના ભાઈ ગૌરવ પુનિયા અને બહેન પ્રભા પુનિયા- ત્રણેયને રાજ્ય પ્રશાસનિક સેવા (આરએએસ)ની પરીક્ષામાં સરખા ૮૦-૮૦ ટકા ગુણ મળ્યા છે. જ્યારે લેખિત પરીક્ષામાં ત્રણેયને ૫૦ ટકા કરતા ઓછા ગુણ મળ્યા છે.

ભાજપના નેતાના કહેવા પ્રમાણે ત્રણેય ભાઈ-બહેનના એકસમાન ગુણ જ મિસાલ છે. ખાસ વાત એ પણ છે કે, આરએએસ પરીક્ષા આપનારા ગૌરવ અને પ્રભાને ચોથા પેપરમાં એકસરખા નંબર કઈ રીતે મળ્યા. ગોલમાલના આરોપોને લઈ રાજસ્થાનમાં હોબાળો મચ્યો છે અને ભાજપ સતત શિક્ષણ મંત્રીને ઘેરી રહ્યું છે. ભાજપે ત્રણેયના અલગ-અલગ પ્રાપ્તાંક પણ જાહેર કર્યા છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ પ્રમાણે ગૌરવને ચારેય પેપરમાં અનુક્રમે ૪૮.૭૫, ૪૧.૨૫, ૫૦ અને ૪૯.૭૫ ટકા ગુણ મળ્યા છે. લેખિતમાં કુલ ૪૭.૪૪ ટકા ગુણ છે જ્યારે ઈન્ટરવ્યુમાં ૮૦ ટકા મળ્યા.

પ્રભાને પહેલા પેપરમાં ૪૧ ટકા, બીજા પેપરમાં ૪૮ ટકા, ત્રીજા પેપરમાં ૪૯.૭૫ ટકા અને લેખિતમાં ૪૫.૮૧ ટકા ગુણ મળ્યા છે. ઈન્ટરવ્યુમાં પ્રભાને પણ ૮૦ ટકા ગુણ મળ્યા છે.

ગોવિંદ સિંહ ડોટસરાની પુત્રવધુ પ્રતિભા પુનિયાને પહેલા પેપરમાં ૪૬ ટકા, બીજા પેપરમાં ૪૮ ટકા, ત્રીજા પેપરમાં ૫૧ ટકા, ચોથા પેપરમાં ૫૬ ટકા અને લેખિતમાં કુલ ૫૦.૨૫ ટકા ગુણ મળ્યા છે. જ્યારે ઈન્ટરવ્યુમાં કુલ ૮૦ ટકા ગુણ મળ્યા છે.

જોકે રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટસરાના કહેવા પ્રમાણે તેમને રાજસ્થાન લોક સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા આરએએસના પરિણામ સાથે કશું લાગતું વળગતું નથી. ઈન્ટરવ્યુમાં અનેક લોકોને ૮૦ ટકા ગુણ મળ્યા છે. મારા સંબંધીઓ પરીક્ષામાં પોતાના દમ પર પાસ થયા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449