લોકોને વિશ્વાસમાં લઈ બેંક ખાતા ખાલી કરનારો જબ્બે

લિન-ઈન પાર્ટનર અને વૃધ્ધના લાખો ચાઉં કરનારો ઠગ મોબાઈલ વાપરતો ન હતો, એપ્સથી કામ કરતો હતો  

જયપુર, તા.૨૧

ભણેલા-ગણેલા ઠગનો જો ભેટો થઈ જાય તો ખિસ્સા તો ઠીક, બેંકનું ખાતું પણ સાફ થતાં વાર નથી લાગતી. આવો જ એક ઠગ હાલ જયપુર પોલીસના હાથે ઝડપાયો છે, જે પોતાના પરિચયમાં આવેલા લગભગ તમામ લોકોને ચૂનો લગાવી ચૂક્યો છે. ત્યાં સુધી કે આ ઠગે પોતાની લીવ-ઈન પાર્ટનર, મિત્રો અને વૃદ્ધ મકાન માલિકોને પણ નહોતા છોડ્યા. ૩૨ વર્ષના આ મિસ્ટર નટવરલાલનું નામ વિકાસ જાગીડ છે, જે પોતાના થોડા પણ પરિચયમાં આવનારા કોઈપણ વ્યક્તિને ઠગી લેતો હતો. વિકાસના મકાનમાલિકે તેની વિરુદ્ધ ૧૦ લાખ રુપિયાની ઠગાઈનો આરોપ લગાવ્યો હતો. વૃદ્ધ મકાનમાલિક બીમાર હતા ત્યારે વિકાસે તેમને મદદ કરવાનો ડોળ કર્યો હતો. તેમને હાર્ટઅટેક આવતા તે હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો અને તેમનો વિશ્વાસ જીત્યા બાદ તેમના બેંક અકાઉન્ટમાંથી ૧૦ લાખ રુપિયા સેરવી લીધા હતા. વિકાસે ગુરગાંવમાં મેટ્રિમોનિયલ વેબસાઈટ પરથી એક મહિલાને પણ પોતાની જાળમાં ફસાવી હતી, જેનું ખાતું પણ તેણે તક મળતા સાફ કરી નાખ્યું હતું. જયપુરના નહરગઢ પોલીસ સ્ટેશનના અધિકારી મુકેશ ખારડિયાએ જણાવ્યું હતું કે વિકાસ ટ્રેઈન્ડ આઈટી એક્સપર્ટ છે, અને ડેટા મેનેજમેન્ટમાં તે સ્પેશ્યલાઈઝેશન ધરાવે છે. તે જયપુર શિફ્ટ થયો તે પહેલા ગુરગાંવ અને મુંબઈમાં મોટી-મોટી કંપનીઓમાં કામ કરી ચૂક્યો છે. વિકાસ એટલો શાતિર છે કે તેને શોધવો પોલીસ માટે પણ મુશ્કેલ હતો. પોતે ટ્રેસ ના થઈ શકે તે માટે વિકાસે ઘણા સમયથી મોબાઈલ ફોન વાપરવાનું બંધ કરી દીધું હતું. તે માત્ર ઓનલાઈન એપ્સ દ્વારા જ પોતાના શિકાર સાથે વાતો કરતો હતો. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે વિકાસ પરણેલો છે, અને તેની પત્નીએ પણ તેની સામે મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ કરેલો છે. આરોપી રાજસ્થાનના રાજસમંદમાં એક મહિલા સાથે લીવ-ઈનમાં રહેતો જેની સાથે પણ તેણે ઠગાઈ કરી હતી. પોલીસનું કહેવું છે કે વિકાસ સામે અઢળક કેસ થયેલા છે. હાલ તો તેણે બે મહિલા અને તેના મકાનમાલિક સાથે કરેલી ઠગાઈની જ પોલીસને માહિતી છે, પરંતુ વિકાસની કરમ કુંડળી કાઢવા માટે પોલીસ હાલ તપાસ કરી રહી છે. વિકાસે ફોન વાપરવાનું બંધ કરી દીધું હોવાથી તેને ટ્રેસ કરવામાં પોલીસને પણ દિવસે તારા દેખાઈ ગયા હતા. આખરે બાતમીદારો પાસેથી મળેલી લીડના આધારે પોલીસે તેને ગમે તેમ કરીને પકડી પાડ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449