ગોરખપુરમાં પ્રેમિકાના પરિવારે યુવકની હત્યા કરી

યુવક તેની પ્રેમિકાને ઘરે મૂકવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી, પાંચ સામે યુવકના પરિવારની ફરિયાદ    

ગોરખપુર, તા.૨૧

પ્રેમ ડૂબેલા પ્રેમી પંખીડાઓના પરિવારના સભ્યો તેમના પ્રેમને લઈને સહમતી ના દર્શાવે ત્યારે મામલો વધારે ગૂંચવાતો હોય છે. આવી જ એક ઘટના બની છે જેમાં કથિત રીતે પ્રેમિકાના પરિવારના સભ્યોએ પ્રેમીને પતાવી દીધો હોવાની ઘટના બની છે. ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનામાં મળતી વિગતો પ્રમાણે ૨૭ વર્ષના યુવકને પ્રેમિકાના પરિવારે ઢોર માર મારવાના કારણે મંગળવારે વહેલી સવારે મોત થઈ ગયું હતું. ગોરખપુરમાં યુવક તેની પ્રેમિકાને ઘરે મૂકવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. મૃતકના પરિવારે આ ઘટના અંગે ફરિયાદ કરી છે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને યુવકનું મોટરસાઈકલ કબજે લઈને વધુ તપાસ શરુ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, મૃતક યુવકના પરિવારે લેખીતમાં પાંચ લોકો સામે ફરિયાદ કરી છે, પરંતુ એફઆઈઆર પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા પછી દાખલ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જાંઘા પોલીસ સ્ટેશનની હદમાં આવતા જીતપુરમાં રહેતો મૃતક ૨૭ વર્ષનો નિશાદ લૌહાર ઉત્તરાખંડમાં મજૂરી કામ કરતો હતો અને તેનું ગાઈઘાટમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.

નિશાદ લૌહાર વારંવાર તેના ગાઈઘાટમાં રહેતા માસીના ઘરે જતો હતો, આ દરમિયાન તે છોકરીના સંપર્કમાં આવ્યો હતો. આ બન્ને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ જતા બન્ને મળતા હતા. સોમવારે રાત્રે યુવક છોકરીને લઈને ફરવા ગયો હતો આ પછી જ્યારે તે છોકરીને સવારે ૪ વાગ્યે ઘરે મૂકવા માટે જઈ રહ્યો હતો. આ વાતની જાણ છોકરીના પરિવારના સભ્યોને થતાં તેઓ રસ્તા પર બન્નેની રાહ જોવા માટે છૂપાઈ ગયા હતા. જેવા બન્નેને જોયા કે છોકરીના પરિવારવાળાએ તેમને ઘેરી લીધા હતા, પ્રેમ પ્રકરણના વિરોધમાં પ્રેમિકાના પરિવારના સભ્યોએ યુવકને માર મારવાનું શરુ કર્યું હતું. ઢોર માર મારવાના કારણે યુવક બેભાન થઈ ગયો હતો. પોલીસને બનાવની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી હતી અને નિશાદને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જોકે, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકના માતે મંથરાએ જણાવ્યું કે, તે સોમવારે ગાઈઘાટ રૂપિયા લેવા માટે ગયો હતો, તેને ફોન કર્યો તો તેણે રાત્રે ઘરે નહીં અવાય તેમ જણાવ્યું હતું. આ પછી તેમને સવારે જાણ થઈ કે નિશાદને કેટલાક લોકોએ માર મારતા તેનું મૃત્યુ થયું છે. નિશાદની બહેન ગુડીયાએ આક્ષેપ મૂક્યો છે કે કોઈએ તેને સંપત્તિના ઝઘડામાં મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે આ અંગે આગળ જણાવ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે એક યુવકને ગંભીર માર મારવામાં આવ્યો છે, જેને હોસ્પિટલ લઈ જવાતા ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. અમને એવી વિગતો મળી છે કે તે યુવક આ વિસ્તારમાં કોઈના ઘરમાં ઘૂસ્યો હતો અને પછી તેને માર મારવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત થઈ ગયું હતું. મૃતકના પરિવારજનોએ લેખિતમાં ફરિયાદ આપી છે પરંતુ એફઆઈઆર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ લખવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449