ચાર લાખનું દહેજ ન મળતાં પ્રેગ્નેન્ટ પત્નીને મારી નાખી

દહેજ ન મળતા લગ્નના એક વર્ષમાં જ પુત્રવધૂની હત્યા્‌ મૃતકના પિતાએ પોલીસની મદદ માંગતા ભાંડો ફૂટ્યો

નાલંદા, તા.૨૨

દહેજ માટે વધુ એક દીકરીની હત્યા કરી દેવામાં આવી. લગ્ન બાદ દહેજની લાલચનું ભૂત એવું તો માથે સવાર થયું કે એક વર્ષ પહેલા લગ્ન કરીને ઘરે આવેલી પુત્રવધૂની સાસરી પક્ષના લોકોએ હત્યા કરી નાખી. જે બાદમાં શરીરનાં ટુકડા કરીને તેને દફન કરી દીધા હતા. દીકરીની શોધમાં તેની સાસરીમાં આવેલા પિતાએ જ્યારે મદદ માટે પોકાર લગાવી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જમીનની અંદર દાંટી દેવાયેલા લાશના ટુકડા મળી આવ્યા છે. લાશને જ્યાં દફનાવવામાં આવી હતી ત્યાં મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાના પણ પુરાવા મળ્યાં છે.

હૃદયને હચમચાવી દેતો આ બનાવ બિહારના નાલંદા જિલ્લાનો છે. નાલંદા જિલ્લાના હિલસા પોલીસ મથક હેઠળ આવતા નોનિયા વિગહા ગામમાં એક મહિલાની તેની સાસરી પક્ષના લોકોએ હત્યા કરી નાખી હતી. દહેજ ન મળવા પર આ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ મહિલાની લાશના ટુકડા કરીને જમીનમાં દફન કરી દેવાયા હતા. કાજલ નામની મહિલાના પિયરના લોકોને જ્યારે માલુમ પડ્યું કે તેની દીકરી સાસરીમાં નથી અને તેણીનો મોબાઇલ પણ બંધ છે ત્યારે તેમણે તપાસ કરી હતી. પરિવારના લોકોએ પોલીસની મદદથી અનેક દિવસો સુધી શોધખોળ કરી હતી. આ દરમિયાન ગામની જ જમીનમાં દફન કરાયેલા કાજલના મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા. અહીં જ કાજલના મૃતદેહને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ પણ કરાયો હતો.

પટના જિલ્લાના સલિમપુરના અરવિંદ સિંહની દીકરી કાજલના લગ્ન હિલસાના નોનિહા વિગહા નિવાસી જગત પ્રસાદના પુત્ર સંજીત કુમાર સાથે ૨૭ જૂન, ૨૦૨૦ના રોજ થયા હતા. લગ્ન વખતે સંજીત કુમાર રેલવેમાં ગ્રુપ ડીની પોસ્ટ પર હતો. તાજેતરમાં તેનું ટીટીઈ તરીકે પ્રમોશન થયું હતું. સંજીતનું 

પ્રમોશન થતાં જ તેણે દહેજ પેટે ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી. મૃતકના પરિવારના લોકનું કહેવું છે કે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે સંજીતને ૮૦ હજાર રૂપિયા આપ્યા હતા. વધારે રકમ ન આપી શકતા સંજીત કુમારે તેના પરિવાર સાથે મળીને તેની પ્રેગ્નેન્ટ પત્નીને મારી નાખી હતી.

આ અંગે તપાસ કરી રહેલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ શ્યામ કિશોર સિંહે જણાવ્યું કે, મૃતકના પિતા અરવિંદ સિંહે તેના જમાઈ સંજીત કુમાર સહિત પાંચ લોકો સામે ક્રૂરતાપૂર્વક કાજલની હત્યા કરવાનો કેસ નોંધાવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે ઠેરઠેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449