કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા રાજીનામું આપશે..?: ૨૫ જુલાઇએ નિર્ણય

બેંગ્લુરુ,તા.૨૨

કર્ણાટકમાં ફરી એક વખત રાજકીય નાટક શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે ભાજપ હાઇકમાન તરફથી ૨૫ જુલાઇએ નિર્ણય લેવામાં આવશે, તેમણે કહ્યુ કે ભાજપ નેતૃત્વ તરફથી જે પણ નિર્ણય થશે, હું તેને માનવા માટે તૈયાર છું. બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ, રાજ્યમાં ૨૬ જુલાઇએ અમારી સરકારના બે વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તે બાદ હું રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે કહેશે, હું તેનું પાલન કરીશ. ભાજપને સત્તામાં પરત લાવવુ મારૂ કર્તવ્ય છે. હું તમામ પાર્ટી કાર્યકર્તાઓ અને પોતાના સહયોગી નેતાઓને અપીલ કરૂ છુ કે આ મિશનમાં મારો સાથ આપો.

બીએસ યેદિયુરપ્પાના નિવેદનથી અટકળો લાગી રહી છે અને એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ભાજપની સેન્ટ્રલ લીડરશિપ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનને લઇને વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી કર્ણાટકમાં ધારાસભ્યોનું એક જૂથ અને યેદિયુરપ્પા વચ્ચે મતભેદના સમાચાર સામે આવ્યા હતા. કેટલાક નેતાઓએ દિલ્હી જઇને યેદિયુરપ્પાની ફરિયાદ સેન્ટ્રલ લીડરશિપને કરી હતી. યેદિયુરપ્પાના નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ કે કર્ણાટકમાં મોટુ રાજકીય ફેરબદલ થવા જઇ રહ્યુ છે. ભાજપના સૂત્રોનું કહેવુ છે કે યેદિયુરપ્પા સાથે નેતાઓના મતભેદ સિવાય તેમની ઉંમરને કારણે પણ નવી લીડરશિપ ઉભી કરવા પર વિચાર ચાલી રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449