ભારે વરસાદથી મહારાષ્ટ્રનું ચિપલૂણ ટાઉન પાણીમાં

રત્નાગીરી અને સિંધુદુર્ગમાં સતત વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ, મુંબઈ-ગોવા હાઈવે, કોંકણ રેલવે પ્રભાવિત

મુંબઈ, તા.૨૨

મહારાષ્ટ્રમાં મેઘરાજાએ તાંડવ મચાવતા ચિપલૂણ ટાઉન અને તેની આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. રત્નાગીરી અને સિંધુદુર્ગમાં સતત પડી રહેલા વરસાદને કારણે અહીં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ૨૦૦૫માં થયેલા વરસાદને કારણે જેવી સ્થિતિ સર્જાઈ હતી તેનાથી પણ ખતરનાક સ્થિતિ ચિપલૂણમાં હાલ સર્જાઈ છે. જેના કારણે મુંબઈ-ગોવા વચ્ચેનો રોડ ટ્રાફિક અને કોંકણ રેલવે સર્વિસ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ચિપલૂણ સાઉથ કોંકણ બેલ્ટનું બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાય છે. સ્થિતિની ગંભીરતાને જોતા પુણેથી એનડીઆરએફની ટીમોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં દોડાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ રત્નાગીરીના કલેક્ટર તેમજ એસપી સાથે વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી છે. હાલ કોંકણમાંથી પસાર થતી વશિષ્ઠી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હોવાથી લોકોને નદીથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે. નદીમાં પાણીનું લેવલ વધી ગયું હોવાથી સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખતા કોંકણ રેલવેને પણ અટકાવી દેવાઈ છે. રત્નાગીરી-સિંધુદુર્ગના સાંસદ તેમજ ધારાસભ્યએ સરકારને વિનંતી કરી છે કે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કોસ્ટ ગાર્ડને પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવે. સ્થાનિક ધારાસભ્ય ભાસ્કર જાધવનું કહેવું છે કે ચિપલૂણની ભૂગોળ રકાબી જેવી છે, અહીંથી પાણીને કુદરતી રીતે બહાર જવાની જગ્યા નથી મળતી જેથી સ્થિતિ વધારે ગંભીર બની છે. કેટલીક જગ્યાએ તો સોસાયટીમાં પાણી ઘૂસવાની જગ્યાએ ઘરોના પહેલા માળ પણ ડૂબી ગયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહાબળેશ્વરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે મોદક સાગર ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે, અને તેના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને લીધે અનેક જગ્યાએ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મુંબઈની આસપાસના કલ્યાણ, ભિવંડી, ઉલ્હાસનગર, બદલાપુરમાં પણ ગુરુવાર સવારથી જ પડી રહેલા ભારે વરસાદથી ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. ઉલ્હાસ અને વાલધુની નદીઓમાં પણ ઘોડા પૂર આવતા કેટલાક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. હાલ પ્રવર્તી રહેલી જળબંબાકાર સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે કોંકણ, ગોવામાં અતિભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ઘાટ અને મધ્ય મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના દરિયાકાંઠના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449